કોઢ મટાડવાના ઉપાયો

કોઢ મટાડવાના ઉપાયો

(1)અત્યંત ઉગ્ર ગંધને લીથે તરત ઓળખાઇ આવતા અને આખા ભારતમાં થતા બાવચીના છોડ આયુર્વેદનું પ્રસિદ્ધ ઔષધ છે. એક ચમચી બાવચીનાં બી એક ચમચી તલના તેલમાં વાટી સવાર-સાંજ એકાદ વરસ સુધી નિયમિત પીવાથી સફેદ કોઢ અને બીજાં ચામડીનાં દર્દો નાશ પામે છે.

(2) બાવચીનાં બીને દૂધમાં ખૂબ લસોટી ઘટ્ટ બને ત્યારે લાંબી સોગટી બનાવી લેવી. આ સોગટીને દૂધમાં ઘસી પેસ્ટ(લેપ) જેવું બનાવી કોઢના ડાઘ પર લગાવી સવારના કુમળા તડકામાં અર્ધો કલાક બેસવું. લાંબો સમય આ ઉપચાર કરવાથી કોઢ મટે છે.

(3) મન:શીલ, હરતાલ, કાળાં મરી, સરસિયું અથવા બાવચીનું તેલ અને આંકડાનું દૂધ આ બધાંનો લેપ બનાવી ચોપડવાથી કોઢ મટે છે.

(4) મોરથુથુ, વાવડીંગ, કાળાં મરી, કઠ-ઉપલેટ, લોધર અને મન:શીલ આ દ્રવ્યોનો લેપ કોઢ મટાડે છે.

(5) કરંજના બી, કુવાડિયાનાં બી અને કઠ એટલે કે ઉપલેટ આ ત્રણે ઔષધો સમાન ભાગે લઇ બારીક ચૂર્ણ કરો. એને ગૌમૂત્રમાં લસોટી તેનો લેપ કોઢવાળા સ્થઆન પર લગાડવાથી થોડા દિવસોમાં જ કોઢ મટવા લાગે છે.

(6) રસવંતી અને કુવડિયાનાં બીજને કપિત્થ એટલે કોઠાના રસથી મિશ્ર કરી કરેલો લેપ કોઢ મટાડે છે.

(7) મૂળા અને સરસવનાં બીજ, લાખ, હળદર, પુંવાડિયાનાં બીજ, ગંધબીરોજા, ત્રિકટુ ચૂર્ણ, વાવડીંગનું ચૂર્ણ આ બધા ઔષધોને મિશ્ર કરી ગૌમૂત્રમાં લસોટી લેપ કરવાથી દાદર, ખરજવું, ખસ, સિધ્મ, કીટીભ અને ભયંકર કપાલ કુષ્ઠ મટે છે.

(8) હળદર અને દારુહળદર, ઇન્દ્રજવ, કરંજના બીજ, જાયનાં કોમળ પાન કરેણનો મધ્ય ભાગ તથા તેની છાલ આટલાનો લપ કરી તેમાં તલના છોડનો ક્ષાર નાખી લગાડવી કોઢ મટે છે. (આ લેપ લગાડી સવારના તડકામાં બેસવું)

(9) કુંવાડિયાનાં બીજ, કઠ, સૌવીરાંજન, સિંધવ, સરસવનાં બીજ તથા વાવડીંગ આ બધાં ઔષધો સરખા ભાગે લઇ તેને ગૌમૂત્રમાં ખૂબ જ લસોટી લેપ તૈયાર કરવો. આ લેપ લગાડી તડકામાં બેસવાથી ક્રિમી, સિધ્મ, દદ્રુ તથા મંડલ કુષ્ઠ-સોરાયસીસ થોડા દિવસોમાં મટે છે.

(10) સફેદ ડાઘ મટી જ જાય એવો કોઇ જ ઉપચાર હજુ દુનિયામાં શોધાયો નથી. અમુક ઉપચારો અમુક સંજોગોમાં કામ કરી શક્યા છે. સફેદ ડાઘનો કુદરતી ઉપચાર અડના લોટથી શક્ય બને છે. અડદનો લોટ પાણીમાં થોડો વખત વલાળીને પછી ગ્રાઇન્ડ કરવો અથવા રવઇથી સખત રીતે વલોવવો. એ લોટ દિવસમાં ચાર પાંચ વખત સફેદ ડાઘ પર લગાડતા રહેવું. કદાચ આ ઉપચારથી થોડા જ દિવસોમાં ફરક પડવા લાગશે.

(11) ગરમ કરેલા ગેરુના પાવડરમાં તુલસીના પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી સપેદ કોઢ પર સવાર-સાંજ લગાડવાથી ફાયદો થાય છે.

(12) ગાયના મૂત્રમાં 3-4 ગ્રામ હળદર મેળવી પીવાથી કોઢ મટે છે.

(13) તાજા અડદ વાટી ધોળા કોઢ પર ચોપડવાથી સારો લાભ થાય છે.

(14) તાંદળજાની ભાજી ખાવાથી કોઢ મટે છે.

(15) રાયના લોટને ગાયના આંઠ ગણા જૂના ઘીમાં મેળવી લેપ કરવાથી સફેદ કોઢ મટે છે. એનાથી ખસ, ખરજવું અને દાદર પણ મટે છે.

(16) તુલસીના મૂળનો ઉકાળો કરીને પીવાથી કોઢ મટે છે.

(17) કેળના સુકવેલા પાનનો બારીક પાવડર માખણ કે ઘી સાથે મેળવી દિવસમાં ચારેક વખત લગાડવો. દિવસો સુધી પ્રયોગ ધીરજ પૂર્વક કરતાં રહેવાંથી સફેદ ડાધ મટે છે.

(18) આંકડાનાં મૂળ 40 ગ્રામ, કેરણ મૂળ 40 ગ્રામ, ચણોઠી 40 ગ્રામ, બાવચીનાં બીજ 200 ગ્રામ, હરતાલ 40 ગ્રામ, સૂકો ભંગરો 40 ગ્રામ, હીરાકસી 20 ગ્રામ અને ચિત્રકમૂળ 20 ગ્રામનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી એ પલળે એટલું ગૌમુત્ર નાખી ખૂબ લસોટી પેંડા જેવડી સોગઠીઓ બનાવી સૂકવી લેવી. આ સોગઠી પથ્થર ઉપર ગૌમૂત્રમાં લસોટવી. આ પેસ્ટ સવાર-સાંજ સફેદ કોઢ પર લગાડવાથી કોઇને જલ્દી તો કોઇન ધીમે ધીમે મટે છે. આ ચૂર્ણ ફક્ત બાહ્ય ઉપચાર માટે જ વાપરવું, ખાવામાં ઉપયોગ કરવો નહીં.

(19) સફેદ કોઢ અસાધ્ય ગણાય છે. શરીરના કોઇ ભાગ પર સપેદ ડાધ થયા હોય પણ એ ભાગના વાળ સફેદ થયા ન હોય તો મધમાં નવસાર મેળવી દિવસમાં ચારેક વખત લગાડતા રહેવાથી બેએક મહિનાની અંદર પરિણામ જોવા મળે છે. ધીરજ પૂર્વક લાંબા સમય સુધી પ્રયોગ કરવો જોઇએ. વળી આ ઉપચારની ખુબી એ છે કે ત્વચા પર બળતરા થતી નથી. આથી શરીરના કોમળ ભાગ પર પણ કરી શકાય, અને એની કોઇ આડ અસર નથી.

(20) ગરમાળો, કરંજ, થોર, આંકડો અને ચમેલી પાંચેય વનસ્પતિના પાન ગૌમૂત્રમં પીસીને લેપ કરવાથી સફેદ ડાધ મટે છે.

Related posts